Bhagavad Gita: Chapter 18, Verse 26

મુક્તસઙ્ગોઽનહંવાદી ધૃત્યુત્સાહસમન્વિતઃ ।
સિદ્ધ્યસિદ્ધ્યોર્નિર્વિકારઃ કર્તા સાત્ત્વિક ઉચ્યતે ॥ ૨૬॥

મુક્ત-સંગ:—સંસારી આસક્તિથી મુક્ત; અનહંવાદી—અહમ્ થી મુક્ત; ધૃતિ—દૃઢ સંકલ્પ; ઉત્સાહ—ઉત્સાહ; સમન્વિત:—થી સંપન્ન; સિદ્ધિ-અસિદ્ધ્યો:—સફળતા અને નિષ્ફળતામાં; નિર્વિકાર:—અસ્પર્શ્ય; કર્તા—કરનાર; સાત્ત્વિક:—સત્ત્વગુણમાં; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.26: તેને સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે, જયારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય, તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે.

Commentary

પૂર્વે શ્રીકૃષ્ણે કર્મની ત્રણ સામગ્રીઓનો ઉલ્લેખ કર્યો હતો—જ્ઞાન, સ્વયં કર્મ અને કર્તા. તેમાંથી બે—જ્ઞાન અને કર્મ—નું વર્ગીકરણ કર્યા પશ્ચાત્ હવે તેઓ કર્મના ત્રણ પ્રકારના કર્તા અંગે વર્ણન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે જે લોકો સાત્ત્વિક ગુણમાં સ્થિત છે, તેઓ નિષ્ક્રિય નથી; બલ્કે, તેઓ ઉત્સાહપૂર્વક અને નિર્ધાર સાથે કર્મ કરે છે. તફાવત એ છે કે તેમનું કર્મ ઉચિત ચેતનામાં થાય છે. સાત્ત્વિક કર્તા મુક્ત સંગ: અર્થાત્ સાંસારિક આસક્તિથી પદાર્થો પ્રત્યે લિપ્ત થવાનો પ્રયાસ કરતા નથી કે તેઓ એ પણ માનતા નથી કે સાંસારિક પદાર્થ તેમના આત્માને તુષ્ટિ પ્રદાન કરશે. તેથી, તેઓ ઉમદા ઉદ્દેશ્યથી કર્મ કરે છે અને તેમની વૃત્તિ શુદ્ધ હોવાથી તેઓ તેમના પ્રયાસોમાં ઉત્સાહ  અને ધૃતિ (દૃઢ સંકલ્પ)થી યુક્ત હોય છે. તેમનું માનસિક વલણ કર્મ સમયે ઉર્જાના નહિવત્ વિક્ષેપમાં પરિણમે છે. આમ, તેઓ તેમના ઉત્કૃષ્ટ ઉદ્દેશ્યની પરિપૂર્તિ માટે થાક્યા વિના કર્મ કરી શકે છે. તેઓ મહાન કાર્યો સંપન્ન કરતા હોવા છતાં, તેઓ અનહં વાદી (અહંકારથી મુક્ત) હોય છે અને તેઓ તેમની સફળતાનો શ્રેય ભગવાનને અર્પે છે.