Bhagavad Gita: Chapter 18, Verse 60

સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા ।
કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોઽપિ તત્ ॥ ૬૦॥

સ્વભાવ-જેન—વ્યક્તિના પોતાના સ્વભાવ જન્ય; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; નિબદ્ધ:—બદ્ધ; સ્વેન—તારા પોતાના દ્વારા; કર્મણા—કર્મો; કર્તુમ્—કરવા માટે; ન—નહીં; ઈચ્છસિ—તું ઈચ્છ; યત્—જે; મોહાત્—મોહવશ; કરિષ્યસિ—તું કરીશ; અવશ:—અનિચ્છાએ; અપિ—છતાં પણ; તત્—તે.

Translation

BG 18.60: હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી, તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ.

Commentary

શ્રીકૃષ્ણ સાવધાનીની વિસ્તૃત વ્યાખ્યા કરતાં અગાઉના વિષય અંગે વર્ણન કરે છે. તેઓ કહે છે કે “તારા પૂર્વ જન્મના સંસ્કારોને કારણે તારી ક્ષત્રિય પ્રકૃતિ છે. પરાક્રમ, શૌર્ય અને દેશપ્રેમ જેવા તારા જન્મજાત ગુણો તને યુદ્ધ કરવા માટે મજબૂર કરશે. તું તારા પૂર્વ જન્મોમાં તેમજ આ જન્મમાં, યોદ્ધા તરીકેના તારા ઉત્તરદાયિત્ત્વ માટે કેળવાયેલો છે. જયારે તું તારી આંખો સમક્ષ અન્યને અન્યાય થતો જોઈશ, તો શું ત્યારે તારા માટે નિષ્ક્રિય રહેવું શક્ય છે? તારી પ્રકૃતિ અને મનોવૃત્તિ એવા છે કે જ્યાં તું દુષ્ટતા જોઇશ, ત્યાં તેનો તું ઝનૂની રીતે વિરોધ કરીશ. તેથી, તારા માટે એ લાભકારક છે કે તારા સ્વભાવથી વિવશ થઈને યુદ્ધ કરવાના બદલે તું મારા ઉપદેશો અનુસાર યુદ્ધ કર.”