Bhagavad Gita: Chapter 18, Verse 47

શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૪૭॥

શ્રેયાન્—અધિક શ્રેષ્ઠ; સ્વ-ધર્મ:—વ્યક્તિના પોતાના નિયત વર્ણાશ્રમ ધર્મ; વિગુણ:—અપૂર્ણ રીતે કરેલું; પર-ધર્માત્—અન્યના ધર્મ કરતાં; સુ-અનુષ્ઠિતાત્—પૂર્ણ રીતે કરેલ; સ્વભાવ-નિત્યમ્—વ્યક્તિની જન્મજાત પ્રકૃતિ અનુસાર; કર્મ—કર્તવ્ય; કુર્વન—કરવાથી; ન આપ્નોતિ—થતું નથી; કિલ્બિષમ્—પાપ.

Translation

BG 18.47: અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વ ધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી.

Commentary

જયારે આપણે આપણા સ્વ-ધર્મનું (નિયત વર્ણાશ્રમધર્મ)નું પાલન કરીએ છીએ ત્યારે બમણો લાભ થાય છે. તે આપણી મનોવૃત્તિને અનુરૂપ હોય છે. તેથી, તે આપણા વ્યક્તિત્ત્વ માટે એટલું જ સહજ હોય છે કે જેટલું પંખી માટે ઉડવાનું છે અને માછલી માટે તરવાનું છે. બીજું, તે મનને સુગમ્ય હોવાથી સહજતાથી થતું રહે છે અને આપણી ચેતના ભક્તિમાં લીન થવા માટે મુક્ત રહે છે.

તેના બદલે, આપણા કર્તવ્યોને ક્ષતિપૂર્ણ સમજીને તેમનો ત્યાગ કરવાથી અને આપણી પ્રકૃતિને અનુરૂપ ન હોય એવા અન્યના બિનઅનુરૂપ કર્તવ્યોનું પાલન કરવાથી આપણે આપણા વ્યક્તિત્ત્વની જન્મજાત વૃત્તિ સાથે સંઘર્ષ કરીએ છીએ. બિલકુલ આ જ પરિસ્થિતિ અર્જુનની છે. તેની ક્ષત્રિય પ્રકૃતિ યુદ્ધ અને શાસન પ્રત્યે રુચિ ધરાવતી હતી. એક પછી એક ઘટનાઓ તેને એ પરિસ્થિતિ તરફ દોરી ગઈ કે જ્યાં ધર્મ માટેના યુદ્ધમાં ભાગ લેવો આવશ્યક હતું. જો તેણે કર્તવ્યવિમુખ થઈને જંગલમાં તપશ્ચર્યા કરવા માટે યુદ્ધક્ષેત્રમાંથી પીછેહઠ કરી હોત, તો તે તેને આધ્યાત્મિક રીતે સહાયક ન થઈ શકત, કારણ કે જંગલમાં પણ તે તેની અંતર્ગત પ્રકૃતિથી ભાગી શકત નહિ. પૂર્ણ  શક્યતાઓ છે કે તે આદિવાસી લોકોને જંગલમાં ભેગા કરીને તેમનો રાજા બની જાત. તેના કરતાં, તેના માટે એ અધિક યોગ્ય હતું કે તે તેની પ્રકૃતિથી ઉદ્દભવેલા કાર્યો કરવાનું નિરંતર ચાલુ રાખે તથા તેનાં કર્તવ્યોના ફળ ભગવાનને સમર્પિત કરીને તેમની આરાધના કરે.

જયારે વ્યક્તિ આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે સ્વ-ધર્મ પરિવર્તિત થઈ જાય છે. પશ્ચાત્ તે દૈહિક સ્તરે રહેતો નથી; તે આત્માનો ધર્મ બની જાય છે જે ભગવાનની ભક્તિ છે. આ અવસ્થાએ, વ્યક્તિનું વર્ણાશ્રમ ધર્મનો પરિત્યાગ કરવો અને હૃદયપૂર્વક ભક્તિમાં લીન થઈ જવું એ વાજબી ગણાય છે, કારણ કે હવે વ્યક્તિની પ્રકૃતિનો તે સ્વ-ધર્મ છે. એવી પાત્રતા ધરાવતા લોકો માટે શ્રીકૃષ્ણ ભગવદ્દ ગીતાના અંતે અંતિમ નિષ્કર્ષ પ્રદાન કરે છે: “સર્વ પ્રકારનાં ધર્મોનો ત્યાગ કરીને, કેવળ મને શરણાગત થા.” (૧૮.૬૬) પરંતુ, તે અવસ્થાએ પહોંચવા સુધી, આ શ્લોકમાં આપેલો ઉપદેશ લાગુ પડે છે. તેથી, શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:

            તાવત્ કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા

           મત્કથાશ્રવણાદૌ વા શ્રદ્ધા યાવન્ન જાયતે (૧૧.૨૦.૯)

જ્યાં સુધી ભગવાનની લીલાઓના શ્રવણ, ગાન અને ધ્યાન દ્વારા ભક્તિનો સ્વાદ વિકસિત ન થાય ત્યાં સુધી આપણે નિરંતર આપણા નિયત વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા રહેવું આવશ્યક છે.