Bhagavad Gita: Chapter 18, Verse 67

ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન ।
ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ॥ ૬૭॥

ઈદમ્—આ; તે—તારા દ્વારા; અતપસ્કાય—જે લોકો તપસ્વી નથી; ન—કદાપિ નહીં; અભક્તાય—જે લોકો ભક્ત નથી; કદાચન—કયારેય; ન—કદાપિ નહીં; ચ—પણ; અશુશ્રુષ્વે—જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ છે; વાચ્યમ્—કહેવું જોઈએ; ન—કદાપિ નહીં; ચ—પણ; મામ્—મારા પ્રત્યે; ય:—જે; અભ્યસૂયતિ—જે ઈર્ષ્યા કરે છે.

Translation

BG 18.67: આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપિ કહેવો જોઈએ નહીં. જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષ્યા કરે છે, તેમને કદાપિ કહેવો જોઈએ નહીં.

Commentary

અગાઉના શ્લોકમાં એ સમજાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન પ્રત્યે પ્રેમપૂર્વક ભક્તિમાં સ્થિત હોય, તો સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરવાથી કોઈ પાપ લાગતું નથી. પરંતુ, આ ઉપદેશમાં એક સમસ્યા છે. જો આપણે ભગવદ્દ-પ્રેમમાં સ્થિત થયા ન હોઈએ અને અપરિપકવ સમયે સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરી દઈએ તો આપણે ન અહીંના રહીશું કે ન તો ત્યાંના રહીશું. તેથી, કર્મ સંન્યાસ કેવળ એ લોકો માટે છે જે તેનાં માટે પાત્રતા ધરાવતું હોય. તથા આપણી પાત્રતા કેટલી છે, તેનો નિર્ણય ગુરુ દ્વારા કરવામાં આવે છે, કે જેઓ આપણી ક્ષમતાઓ તથા માર્ગમાં આવતી મુશ્કેલીઓ અંગે જાણે છે. જો વિદ્યાર્થી સ્નાતક થવા ઈચ્છતો હોય તો તે માટે તે સીધો સ્નાતક સમારંભમાં હાજરી આપવા પહોંચી જતો નથી. આપણે ધોરણ એકથી આનુક્રમિક રીતે અભ્યાસનો આરંભ કરવો પડશે. એ જ પ્રમાણે, અધિકાંશ લોકો કર્મયોગને પાત્ર છે અને અકાળે કર્મ સંન્યાસ લેવો એ તેમના માટે મહાન મૂર્ખતા સિદ્ધ થશે. તેમને તેમના શારીરિક ધર્મોની પરિપૂર્તિ કરવાનો અને સાથે-સાથે ભક્તિની સાધના કરવાનો ઉપદેશ આપવો ઉચિત છે. તેથી જ આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે અર્જુનને પ્રદાન કરવામાં આવેલું આ ગુહ્ય જ્ઞાન જનસાધારણ માટે નથી. અન્ય લોકોને તે જણાવતાં પૂર્વે આ ઉપદેશ અંગેની તેમની પાત્રતા તપાસી લેવી જોઈએ.

આ સાવધાની વિશેષ કરીને અગાઉનાં શ્લોકના ઉપદેશને તથા સામાન્યત: ભગવદ ગીતાના સમગ્ર સંદેશને લાગુ પડે છે. શ્રીકૃષ્ણ પ્રત્યે ઈર્ષ્યાભાવ ધરાવતાં વ્યક્તિને જો તે અંગે સમજાવવામાં આવશે તો તે વ્યક્તિ કહેશે, “શ્રીકૃષ્ણ તો અતિ અહંકારી હતા. તેમણે અર્જુનને તેમનાં જ મહિમા-ગાન કરવાનું કહ્યા કર્યું.” ઉપદેશનું આવું ખોટું અર્થઘટન કરવાથી અશ્રદ્ધાળુ શ્રાવકને આવા દિવ્ય સંદેશથી નુકસાન થશે.

પદ્મ પુરણ વર્ણન કરે છે:

           અશ્રદ્દધાને વિમુખેઽપ્યશૃણ્વતિ યશ્ ચોપદેશઃ શિવનામાપરાધઃ

“જે લોકો અશ્રદ્ધાળુ છે તથા ભગવાનથી વિમુખ છે, તેમને દિવ્ય ઉપદેશ આપીને આપણે તેમને નામાપરાધી બનાવવાનું કારણ બનીએ છીએ.” તેથી, શ્રીકૃષ્ણ ઉપરોક્ત શ્લોકમાં શ્રોતાઓની અપાત્રતાનું  વર્ણન કરે છે.