Bhagavad Gita: Chapter 18, Verse 68

ય ઇદં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ।
ભક્તિં મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્યસંશયઃ ॥ ૬૮॥

ય:—જે; ઈદમ્—આ; પરમમ્—પરમ; ગુહ્યમ્—ગુહ્ય જ્ઞાન; મત્-ભક્તેષુ—મારા ભક્તોમાં; અભિધાસ્યતિ—શીખવાડે છે; ભક્તિમ્—પ્રેમનું મહાન કર્મ; મયિ—મારા પ્રતિ; પરામ્—દિવ્ય; કૃત્વા—કરીને; મામ્—મને; એવ—નિશ્ચિતપણે; એષ્યતિ—આવે છે; અસંશય:—સંશય રહિત.

Translation

BG 18.68: જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે, તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે. તેઓ મારી પાસે આવશે, તેમાં કોઈ સંશય નથી.

Commentary

શ્રીકૃષ્ણ હવે ભગવદ્ ગીતાના ઉપદેશનો ઉચિત પ્રચાર કરવાના પરિણામની ઘોષણા કરે છે. તેઓ કહે છે કે આવા પ્રચારકો પ્રથમ મારી પરા ભક્તિ પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ મને પ્રાપ્ત કરે છે.

ભક્તિમાં જોડાવવાનો અવસર એ ભગવાનના વિશેષ આશીર્વાદ છે પરંતુ અન્યને ભક્તિમાં જોડાવવા માટે સહાય કરવાનો અવસર એ અધિક વિશેષ આશીર્વાદ છે, જે ભગવાનની વિશેષ કૃપા આકર્ષિત કરે છે. જયારે પણ આપણે અન્યને કઇંક સારું આપીએ છીએ ત્યારે તેનાથી આપણને પણ લાભ થાય છે. જયારે આપણે જે કોઈ જ્ઞાન અન્યને પ્રદાન કરીએ છીએ ત્યારે કૃપાથી આપણા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. અન્યને અવારનવાર ભોજન આપવાથી, આપણે કદાપિ ભૂખ્યા રહેતા નથી.

સંત કબીરે કહ્યું:

            દાન દિયે ધન ના ઘટે, નદી ઘટે ન નીર

           અપને હાથ દેખ લો, યોં ક્યા કહે કબીર

“દાન  કરવાથી ધન ઘટતું નથી; નદીનાં જળ લોકોનાં પીવાથી ઘટતાં નથી. હું આ કોઈ આધાર વિના કહેતો નથી; વિશ્વમાં તમે જ આ કરીને જોઈ લો.” આ પ્રમાણે, જે લોકો ભગવદ્દ ગીતાનું આધ્યાત્મિક જ્ઞાન અન્યને પ્રદાન કરે છે, તેઓ સ્વયં શ્રેષ્ઠતમ આશીર્વાદ પ્રાપ્ત કરે છે.