Bhagavad Gita: Chapter 18, Verse 27

રાગી કર્મફલપ્રેપ્સુર્લુબ્ધો હિંસાત્મકોઽશુચિઃ ।
હર્ષશોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ ॥ ૨૭॥

રાગી—લાલચુ; કર્મ-ફલ—કર્મનું ફળ; પ્રેપ્સુ:—લાલચુ; લુબ્ધ:—લોભી; હિંસા-આત્મક:—હિંસાખોર સ્વભાવથી યુક્ત; અશુચિ:—અશુદ્ધ; હર્ષ-શોક-અન્વિત:—હર્ષ અને શોકથી વિચલિત; કર્તા—કરનાર; રાજસ:—રજોગુણી; પરિકીર્તિત:—કહેવાય છે.

Translation

BG 18.27: તેને રજોગુણી કર્તા કહેવામાં આવે છે, જયારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે, લોભી, હિંસાત્મક, અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે.

Commentary

અહીં રાજસિક કર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે. સાત્ત્વિક કર્તા આધ્યાત્મિક ઉન્નતિની કામનાથી પ્રેરિત હોય છે, જયારે રાજસિક કર્તા ભૌતિક વૃદ્ધિ માટે પ્રગાઢ મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓને એ અનુભૂતિ નથી હોતી કે અહીં સર્વ અલ્પકાલીન છે અને એક દિવસ છોડીને જવું પડશે. નિરંકુશ રાગ (મન અને ઈન્દ્રિયોની કામનાઓ) થી વ્યાકુળ હોવાના કારણે તેઓ વૃત્તિની વિશુદ્ધિ ધરાવતા નથી. તેઓ માની લે છે કે તેઓ જે સુખને શોધે છે તે સાંસારિક પદાર્થોમાં પ્રાપ્ય છે. તેથી, તેમને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેનાથી સંતુષ્ટ થયા વિના તેઓ લુબ્ધ: (અધિક લોભી) બનતા જાય છે. જયારે તેઓ અન્યને પોતાના કરતા અધિક સફળ થતા જોવે છે કે ભોગ કરતા જોવે છે, ત્યારે તેઓ હિંસાત્મક: (ઈર્ષ્યાથી હિંસાખોર) બની જાય છે. તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે કેટલીકવાર તેઓ નૈતિકતાનો ત્યાગ કરે છે અને અશુચિ: (અશુદ્ધ) થઈ જાય છે. જયારે તેમની કામનાઓની પરિપૂર્તિ થાય છે, ત્યારે તેઓ પ્રસન્ન થઈ જાય છે અને જયારે હિંમત હારી જાય છે, ત્યારે તેઓ હતાશ થઈ જાય છે. એ પ્રમાણે, તેમનું જીવન હર્ષ શોક અન્વિત: (સુખ અને દુઃખનું મિશ્રણ) બની જાય છે.