કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેઽર્જુન ।
સઙ્ગં ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ॥ ૯॥
કાર્યમ્—કર્તવ્ય સ્વરૂપે; ઈતિ—એમ; એવ—ખરેખર; યત્—જે; કર્મ નિયતમ્—નિયત કર્મ; ક્રિયતે—કરાય છે; અર્જુન—અર્જુન; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; ફલમ્—ફળ; ચ—અને; એવ—નિશ્ચિતપણે; સ:—એવા; ત્યાગ:—કર્મ-ફળો ભોગવવાની કામનાનો ત્યાગ; સાત્ત્વિક:—સત્ત્વગુણ; મત:—માનવામાં આવે છે.
Translation
BG 18.9: જયારે કર્તવ્યને ઉત્તરદાયિત્ત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્ત્વિક માનવામાં આવે છે.
Commentary
શ્રીકૃષ્ણ હવે ઉત્તમ પ્રકારનાં ત્યાગનું વર્ણન કરે છે, જેમાં આપણે આપણા અનિવાર્ય કર્તવ્યોનું પાલન કરતા રહીએ છીએ, પરંતુ કર્મોના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીએ છીએ. તેઓ આને શ્રેષ્ઠ પ્રકારના ત્યાગ તરીકે વર્ણવે છે, જે સાત્ત્વિક ગુણમાં સ્થિત છે.
આધ્યાત્મિક પ્રાપ્તિ માટે ત્યાગ ચોક્કસપણે આવશ્યક છે. પરંતુ સમસ્યા એ છે કે લોકોની ત્યાગ અંગેની સમજણ અતિ ક્ષુલ્લક છે તથા તેઓ તેનું અર્થઘટન કેવળ બાહ્ય કાર્યોના ત્યાગ તરીકે કરે છે. આ પ્રકારનો ત્યાગ દંભ તરફ લઈ જાય છે, જેમાં બાહ્ય રીતે ત્યાગીનો વેશ ધારણ કરીને વ્યક્તિ આંતરિક રીતે ઇન્દ્રિયજન્ય વિષયોનું ચિંતન કરે છે. ભારતમાં અનેક સાધુઓ છે, જેઓ આ શ્રેણીમાં આવે છે. તેઓ ભગવદ્દ-પ્રાપ્તિની ઉમદા વૃત્તિ સાથે સંસારનો ત્યાગ કરી દે છે, પરંતુ મન તો હજી ઇન્દ્રિયજન્ય વિષયોથી વિરકત ન થયું હોવાના કારણે, તેમનો સંન્યાસ તેમને વાંછિત ફળ પ્રદાન કરતો નથી. પરિણામે, તેમને લાગે છે કે તેમના કર્મોએ તેમને આધ્યાત્મિક જીવનની ઉત્કૃષ્ટતાની દિશામાં અગ્રેસર કર્યા નહીં. ક્ષતિ તેમના અનુક્રમમાં છે—તેઓ પ્રથમ બાહ્ય ત્યાગ માટે ઝઝૂમે છે અને પશ્ચાત્ આંતરિક વિરક્તિ માટે. આ શ્લોકનો ઉપદેશ આ અનુક્રમ વિપરીત કરવાનો છે—પ્રથમ આંતરિક વિરક્તિનો વિકાસ કરો અને પશ્ચાત્ બાહ્ય રીતે પરિત્યાગ કરો.