શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ ।
સોઽપિ મુક્તઃ શુભાઁલ્લોકાન્પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્ ॥ ૭૧॥
શ્રદ્ધા-વાન્—શ્રદ્ધાળુ; અનસૂય:—ઈર્ષ્યારહિત; ચ—અને; શ્રુણુયાત્—સાંભળ; અપિ—નિશ્ચિત; ય:—જે; નર:—મનુષ્ય; સ:—તે મનુષ્ય; અપિ—પણ; મુક્ત:—મુકત; શુભાન્—શુભ; લોકાન્—લોકો(ધામો); પ્રાપ્નુયાત્—પ્રાપ્ત કરે છે; પુણ્ય-કર્મણામ્—પુણ્યાત્માઓના.
Translation
BG 18.71: જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યારહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે, જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે.
Commentary
શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનાં સંવાદોનો ગહન ભાવાર્થ સમજવા જેટલી બુદ્ધિ પ્રત્યેક મનુષ્ય ધરાવતા નથી. અહીં, શ્રીકૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે જો આવા લોકો શ્રદ્ધાપૂર્વક કેવળ શ્રવણ કરશે તો પણ તેઓને લાભ થશે. ભગવાન તેમનામાં સ્થિત છે; તેઓ તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોની નોંધ કરે છે અને તે માટે તેમને પુરસ્કાર પ્રદાન કરે છે. જગદ્દગુરુ શંકરાચાર્યના શિષ્ય સનંદાની કથા આ વિષયનું ઉચિત દૃષ્ટાંત પ્રસ્તુત કરે છે. તેઓ અભણ હતા અને અન્ય શિષ્યોની સમાન તેમના ગુરુના ઉપદેશોને સમજી શકતા ન હતા. પરંતુ, જયારે શંકરાચાર્ય પ્રવચન આપતા ત્યારે તેઓ તેમને એકાગ્ર થઈને ધ્યાનપૂર્વક તથા પૂર્ણ શ્રદ્ધાપૂર્વક સાંભળતા. એક દિવસ, તેઓ નદીના સામે કિનારે તેમનાં ગુરુનાં વસ્ત્રો ધોતા હતાં. પ્રવચનના વર્ગનો સમય થઈ રહ્યો હતો, તેથી અન્ય શિષ્યોએ ગુરુજી વિનંતી કરી કે “ગુરુજી, કૃપા કરીને વર્ગનો પ્રારંભ કરો.” શંકરાચાર્યએ ઉત્તર આપ્યો: “આપણે થોડી પ્રતીક્ષા કરીએ, સનંદા અહીં નથી.” “પરંતુ ગુરુજી, તે તો કંઈ સમજતો નથી.” શિષ્યોએ વિનંતી કરી. “તે સત્ય છે, છતાં પણ, તે પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ કરે છે અને તેથી હું તેને નિરાશ કરવા ઈચ્છતો નથી.” શંકરાચાર્યએ કહ્યું.
પશ્ચાત્, શ્રદ્ધાની શક્તિનું દર્શન કરાવવા શંકરાચાર્યએ બૂમ પાડી, “સનંદા! કૃપા કરીને અહીં આવ.” ગુરુના શબ્દોનું શ્રવણ થતા સનંદા જરા પણ ખચકાયા વિના પાણી પર દોડયા. કથામાં વર્ણન છે કે જ્યાં જ્યાં તેમણે તેમનાં ચરણો મૂક્યાં, ત્યાં ત્યાં તેમને સહારો આપવા કમળનાં પુષ્પો ખીલવા લાગ્યાં. તેઓ નદી પાર કરીને સામે કાંઠે પહોંચ્યા અને ગુરુને પ્રણામ કર્યાં. તે સમયે, તેમનાં મુખમાંથી આલંકારિક સંસ્કૃતમાં ગુરુ માટેની સ્તુતિ (પ્રશંસાના શ્લોકો) પ્રગટ થઈ. અન્ય શિષ્યો આ સ્તુતિનું શ્રવણ કરીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનાં ચરણો નીચે કમળો ખીલ્યા હોવાથી, તેમનું નામ “પદ્મપાદ” પડયું અર્થાત્ “જે ચરણો નીચે કમળનાં પુષ્પો છે”. તેઓ શંકરાચાર્યના સુરેશ્વરાચાર્ય, હસ્તમલક અને ત્રોટકાચાર્ય સહિત ચાર પ્રમુખ શિષ્યોમાંથી એક બન્યા. ઉપરોક્ત શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે જે લોકો આ પવિત્ર સંવાદનું પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કેવળ શ્રવણ કરે છે, તે ધીમે ધીમે વિશુદ્ધ થઈ જાય છે.