Bhagavad Gita: Chapter 18, Verse 57

ચેતસા સર્વકર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરઃ ।
બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ ॥ ૫૭॥

ચેતસા—ચેતના દ્વારા; સર્વ-કર્માણિ—સર્વ ક્રિયાઓ; મયિ—મારામાં; સંન્યસ્ય—સમર્પતિ; મત્-પર:—મને પરમ લક્ષ્ય રાખીને; બુદ્ધિ-યોગમ્—બુદ્ધિને ભગવાન સાથે જોડીને; ઉપાશ્રિત્ય—શરણ લઈને; મત્-ચિત્ત:—મારામાં ચેતનાને એકરસ કરીને; સતતમ્—સદૈવ; ભવ—થા.

Translation

BG 18.57: મને પરમ લક્ષ્ય બનાવીને, તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ.

Commentary

યોગ અર્થાત્ “જોડાણ” અને બુદ્ધિયોગ અર્થાત્ “બુદ્ધિને ભગવાન સાથે જોડવી”. બુદ્ધિનું આ જોડાણ ત્યારે થઈ શકે છે, જયારે તે નિશ્ચિતપણે સંમત થાય છે કે અસ્તિત્ત્વમાં રહેલા સર્વ પદાર્થો ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે, તેમની સાથે જોડાયેલા છે અને તેમની સંતુષ્ટિ અર્થે છે. ચાલો, આપણી આંતરિક તંત્ર રચનામાં બુદ્ધિનું શું સ્થાન છે, તે સમજીએ.

આપણા શરીરની અંતર્ગત સૂક્ષ્મ અંત:કરણ છે, જેને આપણે લૌકિક ભાષામાં હૃદય કહીએ છીએ અથવા તો હૃદય ક્ષેત્ર કહીએ છીએ. તેના ચાર પાસાં છે. જયારે તે વિચારોનું સર્જન કરે છે ત્યારે તેને આપણે મન કહીએ છીએ. જયારે તે વિશ્લેષણ કરે છે અને નિર્ણય લે છે ત્યારે તેને આપણે બુદ્ધિ કહીએ છીએ. જયારે તે કોઈ પદાર્થ કે વ્યક્તિ પ્રત્યે આસક્ત થાય છે, ત્યારે તેને આપણે ચિત્ત કહીએ છીએ. જયારે તે શરીરના ગુણો સાથે તાદાત્મ્ય સાધીને ગર્વ અનુભવે છે, ત્યારે આપણે તેને અહંકાર કહીએ છીએ.

આ આંતરિક યંત્ર-રચનામાં બુદ્ધિનું સ્થાન પ્રબળ હોય છે. તે નિર્ણય લે છે અને મન તે નિર્ણય અનુસાર કામના સેવે છે તથા ચિત્ત આસક્તિના વિષય પ્રત્યે અનુરક્ત થાય છે. ઉદાહરણ તરીકે, જો બુદ્ધિ એવો નિર્ણય કરે કે સલામતી એ વિશ્વમાં સૌથી મહત્ત્વનો વિષય છે, તો મન સદૈવ જીવનમાં સલામતીની ઝંખના કરે છે. સમગ્ર દિવસ દરમ્યાન આપણે મનુષ્યો બુદ્ધિ દ્વારા આપણા મનને નિયંત્રિત કરીએ છીએ. તેથી જ ક્રોધનો પ્રવાહ અધ:ગામી હોય છે. CEO નિર્દેશક પર ક્રોધ કરે છે. નિર્દેશક તેની સામે ક્રોધ કરતો નથી કારણ કે તેની બુદ્ધિ સમજે છે કે ક્રોધના પરિણામે નોકરી ગુમાવવી પડશે; તે તેના ક્રોધને વ્યવસ્થાપક પર ઉતારે છે. નિર્દેશકથી વ્યાકુળ હોવા છતાં, વ્યવસ્થાપક પોતાને સંયમિત કરે છે; પરંતુ તે કાર્યદેશક પર ક્રોધ કરીને હળવાશ અનુભવે છે. કાર્યદેશક આ બધું કાર્યકરો પર ઠાલવે છે. કાર્યકર તેની પત્ની પર હતાશાનો નિકાલ કરે છે. પત્ની બાળકો પર ક્રોધ કરે છે. પ્રત્યેક સ્થાને, ક્રોધ કરવામાં ક્યાં જોખમ છે અને ક્યાં પ્રત્યાઘાતો નહિ પડે તેનો નિર્ણય બુદ્ધિ કરે છે. આ ઉદાહરણ સમજાવે છે કે મનુષ્ય તરીકે આપણી બુદ્ધિ મનને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પ્રમાણે, આપણે ઉચિત જ્ઞાન સાથે બુદ્ધિનું સંવર્ધન કરવું જોઈએ અને તેનો ઉપયોગ મનને ઉચિત દિશામાં માર્ગદર્શિત કરવામાં કરવો જોઈએ. બુદ્ધિયોગ અંગે શ્રીકૃષ્ણનું આ તાત્પર્ય છે—બુદ્ધિપૂર્વક દૃઢ નિર્ણયનો વિકાસ કરવો કે સર્વ કર્મ અને સર્વ પદાર્થ ભગવાનનાં સુખ અર્થે છે. આવી દૃઢ બુદ્ધિ ધરાવતા મનુષ્યનું ચિત્ત સરળતાથી ભગવાન પ્રત્યે અનુરક્ત થાય છે.