યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥ ૭૮॥
યત્ર—જ્યાં; યોગ-ઈશ્વર:—શ્રીકૃષ્ણ, યોગના ઈશ્વર; કૃષ્ણ:—શ્રીકૃષ્ણ; યત્ર—જ્યાં; પાર્થ:—અર્જુન,પૃથાપુત્ર; ધનુ:ધર:—મહાન બાણાવળી; તત્ર—ત્યાં; શ્રી:—ઐશ્વર્ય; વિજય:—વિજય; ભૂતિ—સમૃદ્ધિ; ધ્રુવા—અનંત; નીતિ:—ધાર્મિકતા; મતિ: મમ—મારો મત.
Translation
BG 18.78: જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે, ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે.
Commentary
આ શ્લોક દ્વારા ભગવદ્દ ગીતાનું સમાપન આ ગહન ઉદ્ઘોષ સાથે થાય છે.
ધૃતરાષ્ટ્ર યુદ્ધનાં પરિણામો અંગે ચિંતિત હતો. સંજય તેને જણાવે છે કે બંને સૈન્યોના સાપેક્ષ બળ અને સંખ્યાની માયિક ગણતરી અપ્રસ્તુત છે. આ યુદ્ધનું કેવળ એક જ પરિણામ હોઈ શકે—વિજય શ્રી અને તેની સાથે શુભતા, સર્વોપરિતા અને વિપુલતા સદૈવ ભગવાન તથા તેના ભક્તના પક્ષે જ રહેશે.
ભગવાન સ્વતંત્ર અને વિશ્વના સ્વ-નિર્ભર અધિપતિ છે તથા પ્રશસ્તિ તથા આરાધના માટેનો સર્વશ્રેષ્ઠ વિષય છે. ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે (શ્વેતાશ્વતર ઉપનિષદ્દ ૬.૮) “તેમનાં સમાન કોઈપણ નથી; તેમનાથી મહાન કોઈપણ નથી.” તેમને તેમના અતુલ્ય મહિમાના પ્રાગટ્ય માટે કેવળ કોઈ ઉચિત માધ્યમની આવશ્યકતા હોય છે. જે આત્મા તેમને શરણાગત થાય છે, તે ભગવાનના મહિમાને દીપ્તિમાન કરવા માટે આવું માધ્યમ બની જાય છે. આ પ્રમાણે, જ્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન તથા તેમના વિશુદ્ધ ભક્ત ઉપસ્થિત હોય છે ત્યાં પૂર્ણ સત્યનો પ્રકાશ અસત્યના અંધકારનો સદૈવ નાશ કરે છે. તે સિવાય અન્ય કોઈ પરિણામ હોઈ શકે નહીં.