Bhagavad Gita: Chapter 18, Verse 28

અયુક્તઃ પ્રાકૃતઃ સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકોઽલસઃ ।
વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે ॥ ૨૮॥

અયુક્ત:—બિનઅનુશાસિત; પ્રાકૃત:—અશિષ્ટ; સ્તબ્ધ:—જક્કી; શઠ:—લુચ્ચું; નૈષ્કૃતિક:—અપ્રમાણિક અથવા અધમ; અલસ:—આળસુ; વિષાદી—દુ:ખી અને ખિન્ન; દીર્ઘ-સૂત્રી—શિથિલ; ચ—અને; કર્તા—કરનાર; તામસ:—તમોગુણ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.28: જે બિનઅનુશાસિત, અભદ્ર, જીદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે, તેને તમોગુણી કર્તા કહેવાય છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે તામસિક કર્તાનું વર્ણન કરે છે. તેમના મનને નકારાત્મક વળગણનો ડાઘ લાગવાથી તેઓ અયુક્ત: (બિનઅનુશાસિત) હોય છે. શાસ્ત્રોએ કયું વર્તન ઉચિત છે અને કયું અનુચિત છે તે અંગે આજ્ઞાઓનો નિર્દેશ કર્યો છે. પરંતુ તમોગુણી કર્તાઓએ તેમના કાન અને મનને તર્કથી બંધ કરી દીધા હોવાથી તેઓ સ્તબ્ધ: (તેમના વલણમાં જક્કી) હોય છે. આમ, તેઓ પ્રાય: તેમના વ્યવહારમાં શઠ: (કપટી) અને નૈષ્કૃતિક: (અપ્રમાણિક અથવા અધમ) હોય છે. તેઓ પ્રાકૃત: (અભદ્ર) હોય છે કારણ કે તેઓ તેમની પાશવી વૃત્તિઓને નિયંત્રિત કરવામાં માનતા નથી. તેમણે પણ ઉત્તરદાયિત્ત્વનું પાલન કરવાનું હોય છે, પરંતુ તેઓ પ્રયાસોને મજૂરી અને પીડાદાયક સમજે છે અને તેથી તેઓ અલસ: (આળસુ) તથા દીર્ઘ-સૂત્રી (કામ કરવામાં શિથિલ) હોય છે. તેમના અશિષ્ટ અને અધમ વિચારો તેમને અન્ય કોઈપણ કરતાં અધિક અસર કરે છે અને તેમને દુઃખી અને વિષાદમય બનાવી દે છે.

શ્રીમદ્દ ભાગવતમ્ પણ કર્મના કર્તાઓના પ્રકારોનું વર્ણન કરે છે:

            સાત્ત્વિકઃ કારકોઽસઙ્ગી રાગાન્ધો રાજસઃ સ્મૃતઃ

           તામસઃ સ્મૃતિવિભ્રષ્ટો નિર્ગુણો મદપાશ્રયઃ (૧૧.૨૫.૨૬)

“જે કર્તા અનાસક્ત છે તે સાત્ત્વિક પ્રકૃતિ ધરાવે છે; જે કર્મ અને તેના ફળ પ્રત્યે અતિ આસક્ત છે તે રાજસિક છે; અને જે વિવેકબુદ્ધિ રહિત છે તે તામસિક છે. પરંતુ જે કર્તા મને શરણાગત છે તે ત્રણ ગુણોથી ગુણાતીત છે.”