Bhagavad Gita: Chapter 18, Verse 38

વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રેઽમૃતોપમમ્ ।
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ॥ ૩૮॥

વિષય—ઇન્દ્રિયવિષયો સાથે; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; સંયોગાત્—સંયોગથી; યત્—જે; તત્—તે;  અગ્રે—આરંભમાં; અમૃત-ઉપમમ્—અમૃત સમાન; પરિણામે—અંતે; વિષમ્ ઈવ—વિષ સમાન; તત્—તે; સુખમ્—સુખ; રાજસમ્—રજોગુણી; સ્મૃતમ્—કહેવાય છે.

Translation

BG 18.38: એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે.

Commentary

રાજસિક સુખનો અનુભવ રોમાંચ સ્વરૂપે થાય છે, જે ઈન્દ્રિયો અને તેમના વિષયો વચ્ચેના સંસર્ગથી ઉદ્ભવે છે. પરંતુ આ આનંદ પણ સંસર્ગ જેટલો જ અલ્પજીવી હોય છે તથા તેના કારણે લોભ, ચિંતા, અપરાધીભાવ ઉદ્ભવે છે અને માયિક ભ્રમ પ્રગાઢ બને છે. માયિક ક્ષેત્રમાં પણ અર્થપૂર્ણ સિદ્ધિ માટે રાજસિક સુખનો અસ્વીકાર કરવો આવશ્યક છે. ભારતના પ્રથમ વડાપ્રધાન, જવાહરલાલ નહેરુ, ત્વરિત પરંતુ ભ્રામક સુખથી પોતાને દૂર રાખવા માટે એક સ્મરણ નોંધ તરીકે Stopping by Woods on a Snowy Evening કવિતાની આ પંક્તિઓ તેમના ટેબલ પર રાખતા:

            કાષ્ટો મનોરમ, ઘટ્ટ અને ગહન છે,

           પણ મારે વચનોનું પાલન કરવાનું છે,

          તથા સૂતાં પૂર્વે ખૂબ દૂર જવાનું છે,

         અને સૂતાં પૂર્વે ખૂબ દૂર જવાનું છે.

શાશ્વતતા અને દિવ્યતાનો માર્ગ ભોગવિલાસમાં નહિ પણ ત્યાગ, તપશ્ચર્યા અને અનુશાસનમાં રહેલો છે.