Bhagavad Gita: Chapter 18, Verse 8

દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ ।
સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ॥ ૮॥

દુ:ખમ્—પીડાદાયક; ઈતિ—એમ; એવ—ખરેખર; યત્—જે; કર્મ—કર્તવ્યો; કાય—શારીરિક; કલેશ—કષ્ટ; ભયાત્—ભયથી; ત્યજેત—ત્યજી દે છે; સ:—તેઓ; કૃત્વા—કરીને; રાજસમ્—રજોગુણ; ત્યાગમ્—કર્મફળો ભોગવવાની કામનાનો ત્યાગ; ન—કદાપિ નહીં; એવ—નિશ્ચિતપણે; ત્યાગ—કર્મફળો ભોગવવાની કામનાનો ત્યાગ; ફલમ્—પરિણામ; લભેત્—પ્રાપ્ત.

Translation

BG 18.8: નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે, તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપિ ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી.

Commentary

જીવનમાં આગળ વધવાનો અર્થ એ નથી થતો કે આપણા ઉત્તરદાયિત્વનો ત્યાગ કરી દેવો, બલ્કે, તે તો તેની વૃદ્ધિને સૂચિત કરે છે. શીખાઉ અધ્યાત્મવાદીઓ પ્રાય: આ સત્યને સમજતા નથી. કષ્ટને ટાળવાના ઉદેશ્યથી પલાયન વૃત્તિ અપનાવીને, તેઓ આધ્યાત્મિક અભિલાષાને તેમના અનિવાર્ય કર્તવ્યોનો ત્યાગ કરવા માટેનું બહાનું બનાવે છે. પરંતુ જીવન કદાપિ કર્તવ્યોથી રહિત હોતું નથી. પરિપકવ સાધકો એ નથી કે જે અવિચલિત છે કારણ કે તેઓ કશું જ કરતા નથી, પરંતુ તેનાથી વિપરીત, તેઓ તેમના ખભા પર મોટો બોજ ધારણ કર્યો હોવા છતાં પણ તેમની શાંતિ જાળવી રાખે છે. શ્રીકૃષ્ણ આ શ્લોકમાં જણાવે છે કે કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તેઓ દુઃખદાયક છે, તે રાજસિક ત્યાગ છે.

પ્રારંભથી જ ભગવદ્દ ગીતા એ કર્મોનું આહ્વાન છે. અર્જુનને તેનાં કર્તવ્યો અપ્રિય તથા ઉપદ્રવી લાગે છે અને પરિણામ સ્વરૂપે, તે યુદ્ધક્ષેત્રમાંથી ભાગી જવાની કામના ધરાવે છે. શ્રીકૃષ્ણ આને અજ્ઞાન તથા દુર્બળતા કહે છે. તેઓ અર્જુનને તેના ઉત્તરદાયિત્ત્વનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે અપ્રિય હોવા છતાં પણ સાથે-સાથે તે તેનામાં આંતરિક પરિવર્તન લાવશે. આ ઉદ્દેશ્યથી તેઓ અર્જુનને આધ્યાત્મિક જ્ઞાનથી પ્રકાશિત કરે છે અને તેના જ્ઞાન-ચક્ષુનો વિકાસ કરવામાં સહાય કરે છે. ભગવદ્દ ગીતાનું શ્રવણ કરીને અર્જુન તેના કાર્યક્ષેત્રનું પરિવર્તન કરતો નથી પરંતુ તેના કર્તવ્યોનું પાલન કરવા માટેની ચેતનામાં પરિવર્તન લાવે છે. પૂર્વે તેના કર્તવ્યની પાછળનો તેનો ઉદ્દેશ્ય પોતાની સુવિધા તથા ગૌરવ માટે હસ્તિનાપુરનું રાજ્ય સુરક્ષિત કરવાનો હતો. પશ્ચાત્, તે તેનાં કર્તવ્યોનું પાલન કરવાનું ચાલુ જ રાખે છે, પરંતુ ભગવાનની ભક્તિસ્વરૂપે.