યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ ।
નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમુદાહૃતમ્ ॥ ૩૯॥
યત્—જે; અગ્રે—આરંભથી; ચ—અને; અનુબન્ધે—અંતે; ચ—અને; સુખમ્—સુખ; મોહનમ્—મોહમય; આત્મન:—પોતાને; નિદ્રા—નિદ્રા; આલસ્ય—આળસ; પ્રમાદ—પ્રમાદ; ઉત્થમ્—ઉતપન્ન; તત્—તે; તામસમ્—તમોગુણી; ઉદાહ્રતમ્—કહેવાયું છે.
Translation
BG 18.39: જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા, આળસ, અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે.
Commentary
તામસિક સુખ એ નિકૃષ્ટ પ્રકારનું અને આરંભથી અંત સુધી મૂર્ખતાથી પરિપૂર્ણ છે. તે આત્માને અજ્ઞાનના અંધકારમાં ધકેલી દે છે અને છતાં, તેમાં સુખનો અતિ સૂક્ષ્મ અનુભવ થતો હોવાથી લોકો તેના વ્યસની બની જાય છે. તેથી ધૂમ્રપાન કરતા લોકોને એ જાણવા છતાં પણ કે તે તેમને નુકસાન કરે છે, તેમની આદત છોડવાનું કઠિન લાગે છે. તેઓ વ્યસનમાંથી પ્રાપ્ત થતા સુખનો અસ્વીકાર કરવા અસમર્થ હોય છે. શ્રીકૃષ્ણ કહે છે કે નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થતાં આવા સુખો તમોગુણી કહેવાય છે.