Bhagavad Gita: Chapter 18, Verse 51-53

બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ ।
શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ ॥ ૫૧॥
વિવિક્તસેવી લઘ્વાશી યતવાક્કાયમાનસઃ ।
ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ ॥ ૫૨॥
અહઙ્કારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહમ્ ।
વિમુચ્ય નિર્મમઃ શાન્તો બ્રહ્મભૂયાય કલ્પતે ॥ ૫૩॥

બુદ્ધ્યા—બુદ્ધિ; વિશુદ્ધયા—વિશુદ્ધ; યુક્ત:—થી સંપન્ન; ધૃત્યા—નિર્ધારથી; આત્માનમ્—બુદ્ધિ: નિયમ્ય—સંયમિત; ચ—અને; શબ્દ-આદીન્ વિષયાન્—ધ્વનિ તથા ઈન્દ્રિયોના અન્ય વિષયો; ત્યકત્વા—ત્યજીને; રાગ-દ્વેષૌ—આસક્તિ અને ઘૃણા; વ્યુદસ્ય—બાજુ પર રાખીને; ચ—અને; વિવિક્ત-સેવી—એકાંત ભોગવતો; લઘુ-આશી—અલ્પ આહર લેનારો; યત્—વશમાં કરીને; વાક્—વાણી; કાય—શરીર; માનસ:—મન; ધ્યાન-યોગ-પર:—સમાધિમાં તલ્લીન; નિત્યમ્—સદૈવ; વૈરાગ્યમ્—વૈરાગ્યનો; સમુપાશ્રિત:—આશ્રય લઈને; અહંકારમ્—અભિમાન; બલમ્—હિંસા; દર્પમ્—ઘમંડ; કામમ્—ઈચ્છા; ક્રોધમ્—ક્રોધ; પરિગ્રહમ્—સ્વાર્થ; વિમુચ્ય—થી મુક્ત થઈને; નિર્મમ:—સંપત્તિના સ્વામિત્વના ભાવથી રહિત; શાન્ત:—શાંત; બ્રહ્મ-ભૂયાય—બ્રહ્મન સાથે જોડાણ; કલ્પતે—યોગ્ય છે.

Translation

BG 18.51-53: તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે, જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઈન્દ્રિયવિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઈન્દ્રિયોને દૃઢતાપૂર્વક સંયમમાં રાખે છે. આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર, મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે. અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામીત્ત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ (પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ) સાથેના જોડાણ માટે પાત્ર હોય છે.

Commentary

શ્રીકૃષ્ણ સમજાવી રહ્યા છે કે સમુચિત ચેતના સાથે આપણા કર્તવ્યોનું પાલન કરીને કેવી રીતે આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેઓ હવે બ્રહ્મ-સાક્ષાત્કાર સિદ્ધિ માટે આવશ્યક ગુણવત્તાનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે સિદ્ધિની તે અવસ્થામાં આપણે વિશુદ્ધ બુદ્ધિનો વિકાસ કરીએ છીએ, જે ગુણાતીત જ્ઞાનમાં સ્થિત હોય છે. રાગ અને દ્વેષમાં લિપ્ત ન થવાથી મન નિયંત્રણમાં રહે છે. ઈન્દ્રિયો સંયમિત રહે છે તથા શરીરના તથા વાણીના આવેગો દૃઢ રીતે અનુશાસિત હોય છે.  આહાર અને નિદ્રા જેવી શરીરના નિર્વાહ માટેની પ્રવૃત્તિઓ સુયોગ્ય રીતે સંતુલિત હોય છે. આવો યોગી પ્રગાઢ રીતે આત્માભિમુખ હોવાથી એકાંત પસંદ કરે છે. સત્તા અને પ્રતિષ્ઠા માટેનો અહમ્ અને વાસના ઓગળી જાય છે. દિવ્યતામાં મનને નિરંતર તલ્લીન રાખીને યોગી શાંત રહે છે તથા કામના, ક્રોધ અને લોભના બંધનથી મુક્ત રહે છે. આવો યોગી પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ કરે છે.