Bhagavad Gita: Chapter 18, Verse 15-16

શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ ।
ન્યાય્યં વા વિપરીતં વા પઞ્ચૈતે તસ્ય હેતવઃ ॥ ૧૫॥
તત્રૈવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ ।
પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ ॥ ૧૬॥

શરીર-વાક્-મનોભિ:—શરીર, વાણી અથવા મનથી; યત્—જે; કર્મ—કર્મ; પ્રારભતે—કરે છે; નર:—મનુષ્ય; ન્યાય્યમ્—ઉચિત; વા—અથવા; વિપરીતમ્—અનુચિત; વા—અથવા; પંચ—પાંચ; એતે—આ; તસ્ય—તેમનાં; હેતવ:—તત્ત્વો; તત્ર—ત્યાં; એવમ્ સતિ—એમ છતાં; કર્તારમ્—કર્તા; આત્માનમ્—આત્મા; કેવલમ્—માત્ર; તુ—પરંતુ; ય:—જે; પશ્યતિ—જોવે છે; અકૃત-બુદ્ધિત્વાત્—અશુદ્ધ બુદ્ધિથી; ન—નહીં; સ:—તેઓ; પશ્યતિ—જુએ છે; દુર્મતિ:—મૂર્ખ.

Translation

BG 18.15-16: શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતાં ઉચિત કે અનુચિત કોઇપણ કર્મોમાં આ પાંચ તત્ત્વો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી, તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી.

Commentary

કર્મોના ત્રણ પ્રકાર છે—કાયિક (શરીરથી કરવામાં આવતા), વાચિક (વાણીથી કરવામાં આવતા) અને માનસિક (મનથી કરવામાં આવતા). આ પ્રત્યેક શ્રેણીમાં, ભલે પછી આપણે પુણ્યશાળી કર્મો કરીએ કે પાપી કર્મો કરીએ, અગાઉના શ્લોકમાં ઉલ્લેખિત પાંચ તત્ત્વો ઉત્તરદાયી હોય છે. અહંકારને કારણે આપણે આપણા કર્મો માટે પોતાની જાતને કર્તા માનીએ છીએ. “મેં આ હાંસલ કર્યું.” “મેં તે પૂર્ણ કર્યું.” “હું તે કરીશ.” કર્તા હોવાની ભ્રમણા હેઠળ આપણે આવા નિવેદનો કરીએ છીએ. શ્રીકૃષ્ણનો આ જ્ઞાન પ્રગટ કરવાનો ઉદ્દેશ્ય જીવાત્માનો કર્તા તરીકેના ગર્વનો નાશ કરવાનો છે. આમ, તેઓ કહે છે કે જે લોકો કેવળ આત્માને જ કર્મોમાં ભાગ ભજવતા તત્ત્વ તરીકે જુએ છે, તેઓ આ વિષયને તેના વાસ્તવિક સ્વરૂપે જોતા નથી. જો આત્માને ભગવાન દ્વારા શરીર પ્રદાન કરવામાં આવ્યું ન હોત તો તે કંઈપણ કરી શકત નહી. વળી, જો ભગવાન દ્વારા શરીરને પણ શક્તિ પ્રદાન કરવામાં આવી ન હોત તો તે કંઈપણ કરી શકત નહિ.

કેનોપનિષદ્દ વર્ણન કરે છે:

યદ્વાચાનભ્યુદિતં યેન વાગભ્યુદ્યતે (૧.૪)

“બ્રહ્મનું વર્ણન સ્વર દ્વારા કરી શકાતું નથી. તેમની પ્રેરણા દ્વારા સ્વરને બોલવા માટેની શક્તિ પ્રાપ્ત થાય છે.”

યન્મનસા ન મનુતે યેનાહુર્મનો મતમ્ (૧.૫)

“બ્રહ્મને મન તથા બુદ્ધિ દ્વારા સમજી શકાતા નથી. તેમની શક્તિ દ્વારા મન અને બુદ્ધિ કાર્ય કરે છે.”

યચ્ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષૂંષિ પશ્યતિ (૧.૬)

“બ્રહ્મને ચક્ષુ દ્વારા જોઈ શકાતા નથી. તેની પ્રેરણા દ્વારા આંખો જુએ છે.”

યચ્છ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમિદં શ્રુતમ્ (૧.૭)

“બ્રહ્મને કાન દ્વારા સાંભળી શકાતા નથી. તેમની શક્તિથી કાન સાંભળે છે.”

યત્ પ્રાણેન ન પ્રાણિતિ યેન પ્રાણઃ પ્રણીયતે (૧.૮)

“બ્રહ્મને પ્રાણવાયુ દ્વારા શક્તિવાન કરી શકાતા નથી. તેમની પ્રેરણા દ્વારા પ્રાણવાયુ કાર્ય કરે છે.”

આનો અર્થ એ થતો નથી કે કર્મો કરવામાં આત્મા કોઈ ભાગ ભજવતો નથી. એ ગાડીમાં બેઠેલા વાહન ચાલક સમાન છે જે ગાડીનું સ્ટીયરીંગ વ્હિલ  નિયંત્રિત કરે છે અને ક્યાંથી વળાંક લેવો અને કેટલી ગતિથી ગાડી ચલાવવી તેનો નિર્ણય લે છે. એ જ પ્રમાણે, આત્મા પણ શરીર, મન અને બુદ્ધિના કાર્યોને નિર્દેશિત કરે છે, પરંતુ તેણે કોઈપણ કર્મ કે કર્મો માટે સ્વયં શ્રેય લેવાનો દાવો કરવો જોઈએ નહીં. જો આપણે પોતાની જાતને જ કર્મના એકમાત્ર કારણ તરીકે જોઈએ છીએ તો આપણે આપણા કર્મોના ભોક્તા બનવા પણ ઈચ્છીએ છીએ. પરંતુ જયારે આપણે સ્વયંને કર્તાભાવમાંથી મુક્ત કરી દઈએ છીએ અને આપણા પ્રયાસો માટેનો શ્રેય ભગવાનની કૃપા તથા તેમણે પ્રદાન કરેલા સાધનોને અર્પિત કરીએ છીએ, ત્યારે આપણે પણ અનુભૂતિ કરીએ છીએ કે આપણે આપણા કર્મોના ભોક્તા નથી તથા સર્વ કર્મો ભગવાનની પ્રસન્નતા અર્થે છે. આગામી શ્લોકમાં વર્ણન કર્યા પ્રમાણે, આ જ્ઞાન, આપણને યજ્ઞ, દાન અને તપના પ્રત્યેક કર્મનું ભક્તિપૂર્ણ પાલન કરવામાં તથા ભગવાનને સમર્પિત કરવામાં સહાય કરશે.